સ્થાનિક મુદ્દાઓ

ગઢડા સ્વામિનારાયણ મંદિરમાં ધર્માદા મામલે દેવપક્ષ-આચાર્ય પક્ષ સામ સામે, હરિભક્તોએ કર્યો હલ્લાબોલ

ગઢડામાં આવેલાં ગોપીનાથજી મંદિરમાં ધર્માદા લઈને રાજકારણ ગરમાયું છે. મંદિરના દેવપક્ષ અને આચાર્ય પક્ષ ધર્માદા વિવાદને લઈને સામસામે આવી ગયા છે. તો દેવપક્ષના વહીવટદારો દ્વારા આચાર્ય પક્ષના હરિભક્તોનો ધર્માદો ન સ્વીકારવામાં આવતાં હરિભક્તોએ રામધૂન બોલાવી આવેદનપત્ર આપવા ગયા હતા. જો કે તેઓનું આવેદનપત્ર ન સ્વીકારતાં હરિભક્તોએ હલ્લાબોલ કર્યો હતો. મંદિરમાં હોબાળાને કારણે પોલીસ પણ પહોંચી ગઈ હતી અને સમગ્ર મામલો થાળે પાડ્યો હતો. જ્યાં સુધી ધર્માદો નહીં સ્વીકારાય ત્યાં સુધી મંદિરમાં જ ધામા નાખવાનું હરિભક્તોએ જણાવ્યું હતું.

બોટાદ જિલ્લાના ગઢડામાં વિશ્વ વિખ્યાત સ્વામિનારાયણ મંદિર આવેલું છે. અહીં ભગવાન સ્વામિનારાયણ પોતે 29 વર્ષ રહી ગઢડાને કર્મ ભૂમિ બનાવી હતી. આ મંદિરના દેશ અને વિદેશમાં હજારો હરિભક્તો આવેલાં છે. ગઢડા ગોપીનાથજી મંદિરમાં 20 વર્ષથી આચાર્ય પક્ષની સત્તા હતી. પરંતુ હમણા જ ચૂંટણી થઈ હતી. જેમાં દેવ પક્ષનો વિજય થયો હતો. અને દેવ પક્ષ સત્તા પર આવતાંની સાથે જ ગઢડા મંદિર કયાંકને કયાક વિવાદમાં આવી રહ્યુ છે. ત્યારે ધર્માદો સ્વીકરવાના મામલે વધુ એકવાર ગઢડા મંદિર વિવાદમાં આવ્યું છે.

આચાર્ય પક્ષના હરિભક્તો આજે સવારના મોટી સંખ્યામાં ગઢડા મંદિરે તેઓનો ધર્માદો નહીં સ્વીકરવાના મામલે આવેદનપત્ર આપવા આવ્યા હતા. પરંતુ મંદિરનાં વહીવટ કર્તાઓએ આવેદનપત્ર સ્વીકારવાની ના પાડતાં મામલો બીચક્યો હતો. અને આચાર્ય પક્ષના હરીભક્તો ઓફિસમાં પહોંચી હલ્લાબોલ કરતાં પોલીસ આવી પહોંચી હતી. આવેદનપત્ર સ્વીકાર્ય બાદ મામલો થાળે પાડ્યો હતો.

આ મામલે મંદિરના ચેરમેને જણાવ્યું કે, આચાર્ય પક્ષના લોકો ચૂંટણીમાં હારી ગયા છે. જેને લઈને તેઓ મંદિરને બદનામ કરવાનું કામ કરે છે. બાકી મંદિર તરફથી કોઈ પણ હરિભકતોને ધર્માદો સ્વીકારવાની ના પાડવામાં આવતી નથી.

તો હરિભક્તોનું કહેવું છે કે, મંદિરના વહીવટદારો રાગદ્વેષ રાખીને ધર્માદો સ્વીકારતાં નથી. અનેકવાર રજૂઆતો કરવા છતાં ધર્માદો સ્વીકાર્યો નથી. જેથી અમે 300 જેટલાં હરિભક્તો આવેદનપત્ર આપવા મંદિરે પહોંચ્યા હતા. પણ મંદિરના વહીવટદારોએ આવેદનપત્ર લેવાની ના પાડી હતી. જો ધર્માદો ન લે તો વર્ષ પૂરું થઈ જાય, જેથી મતદારયાદીમાં અમારું નામ આવે નહીં. આમ દેવ પક્ષના વહીવટદારો દ્વારા કિન્નાખોરી રાખવામાં આવે છે. 28 ઓક્ટોબર ધર્માદો સ્વીકારવાની છેલ્લી તારીખ છે, તે પહેલાં ધર્માદો સ્વીકારવા હરિભક્તોએ માગ કરી છે. અને જયાં સુધી ધર્માદો નહીં સ્વીકારાય ત્યાં સુધી મંદિરમાં જ ધામા નાખીશું એમ આચાર્ય પક્ષના હરિભક્તોએ જણાવ્યું હતું.

Related posts

એઈમ્સનું નિમાર્ણ રોડ રસ્તા સહિતની ડિઝાઈન તૈયાર, 200 એકર જગ્યાનો આગામી સપ્તાહે કેન્દ્ર સરકાર કબજો સંભાળશેઃ દબાણો દૂર કરાયા

Newsgujarati

રાજકોટ નવા ૧પ૦ ફુટ રીંગ રોડ આજી ડેમ અને રાંદરડા વિસ્તાર બેફામ ખનીજ ચોરી

Newsgujarati

સંત સદારામ બાપા પંચમહાભૂતમાં વિલિન, CM સહિત અન્ય નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ

Newsgujarati

ટિપ્પણી મૂકો