ગુજરાત

કળયુગના વાસુદેવ ! કપરા સમયે પણ મહેકી ઉઠી માનવતા,સગો બાપ માસૂમ બાળકને ટોપલામાં લઈને નીકળ્યા

વડોદરા શહેરમાં બુધવારે દિવસ દરમિયાન બારેમેઘ ખાંગા થતાં જનજીવન સંપૂર્ણપણે ઠપ થઈ ગયું હતું. વડોદરા શહેર અને આસપાસના વિસ્તારમાં ભારે વરસાદના પગલે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. લોકોની મદદ માટે એનડીઆરએફની ટીમો કામ કરી રહી છે. જોકે, વડોદરાની એક સોસાયટીમાં પિતાના માથે ટોપલામાં દોઢ માસના બાળકને લઈને સલામત સ્થળે જતા નજરે પડ્યા હતા.

શ્રાવણના પહેલા દિવસે વડોદરામાં બચાવ ટૂકડીઓ દ્વારા એક એવું ચિત્ર સામે આવ્યું છે, જેને જોઇને તમામનું દિલ સ્પર્શી જાય છે. શ્રાવણ મહિનો હિન્દુઓ માટે ખાસ માનવામાં આવે છે. આ મહિનામાં અનેક તહેવારો ઉજવાય છે. ત્યારે જેવી રીતે કૃષ્ણ જન્મ સમયે જે દ્રશ્ય સર્જાયું હતું. એવું વડોદરામાં આજે જોવા મળ્યું હતું. કૃષ્ણને લઇ જતા વાસુદેવને તો નવજાત ભગવાન કૃષ્ણના ચરણ સ્પર્શ કરી મા યમુનાએ રસ્તો કરી આપ્યો હતો, પણ આ પિતા કે વાલીએ તો ધસમસતા જળ પ્રવાહમાંથી ભગીરથ પ્રયત્ન કરી માર્ગ કાઢવો પડ્યો હતો.

વડોદરામાં અતિભારે વરસાદને પગલે ગુજરાત સરકારનુ તંત્ર કામે લાગ્યું છે. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ- એનડીઆરએફની 3 ટીમ ત્યાં સ્થાયી હોઈ આ ટીમ બચાવ-રેસ્ક્યૂના કામે લાગી છે. આ પ્રત્યેક ટીમમાં 35 જેટલા જવાનો બચાવના સાધનો સાથે સુસજ્જ છે. સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ-એસડીઆરએફની પણ બે ટીમ પણ ત્યાં બચાવ કાર્યમાં લાગી છે. આ પ્રત્યેક ટીમમાં 100 જેટલા જવાનો સામેલ છે. ગાંધીનગરથી પણ એસડીઆરએફની વધારાની એક પણ વડોદરા પહોંચી ગઇ છે.

વિશ્વામિત્રીની સપાટી રાત્રે 28.50 ફુટે પહોંચતાં નિચાણવાળા વિસ્તારમાંથી લોકોનું સ્થળાંતર શરૂ કરવામાં આવ્યું હતું અને મોડી રાત સુધીમાં 400 લોકોને સુરક્ષીત જગ્યાએ ખસેડાયા હતા. એનડીઆરએફની ટુકડીઓએ વિવિધ જળગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા 96 લોકોને ઉગારીને સલામતી સ્થળે ખસેડ્યા છે. જેમાં એકલા સમા વિસ્તારના 79 અસરગ્રસ્તોનો સમાવેશ થાય છે. એનડીઆરએફએ હાઇ વે પર બસ અને કારમાં ફસાયેલા 12 લોકોને ઉગાર્યા છે. જરોદ ગામના નિચાણવાળા વિસ્તારોના પાણીના ભરાવાથી જળમગ્ન બનેલા 2 ઘરોના 6 લોકોને સલામત સ્થળે ખસેડયા છે.

વડોદરામાં 20 ઈંચ વરસાદથી જળબંબાકાર થયું છે. શહેરનાં સુભાષનગર અને પરશુરામ ભઠ્ઠા વિસ્તારનાં ઘરોમાં પાણી ભરાયું છે. ફાયરબ્રિગેડ દ્વારા લોકોનું સ્થળાંતર ચાલું કરવામાં આવ્યું છે. 1500થી વધુ લોકોના સ્થળાંતરની કામગીરી કરવામાં આવી છે. વડોદરાનાં તમામ બ્રિજ બંધ બંધ કરાયા છે. ઘરની બહાર ન જવાની સલાહ આપવામાં આવી છે.

વડોદરામાં બુધવારે પડેલા ભારે વરસાદના કારણે ગુરૂવારે વડોદરાની શાળા-કોલેજ, કોર્ટ બંધ રહેશે. ટ્રેન અને હવાઈ વ્યવહાર પણ ખોરવાઈ ગયો છે. વર્ષ 2005માં વડોદરા શહેરમાં એક જ દિવસમાં 12 ઇંચ વરસાદ પડતાં સમગ્ર શહેરમાં જળબંબાકાર સર્જાયો હતો અને ત્યાર બાદ બુધવારે વધુ એક વખત 16 કલાકમાં 20 ઇંચ વરસાદ પડતાં શહેરની સ્થિતિ કફોડી બની જવા જતાં જીવન અસ્તવ્યત થઇ ગયું હતું.

Related posts

ભાજપના પૂર્વ સાંસદ વિઠ્ઠલભાઈ રાદડીયાનું 61ની વયે નિધન,આવતીકાલે અંતિમ દર્શન અને અંતિમયાત્રા

Newsgujarati

‘વાયુ’ કચ્છ તરફ પહોંચશે,વાવાઝોડાને પગલે રાજસ્થાન અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસદાની આગાહી

Newsgujarati

ઉત્તર ભારતમાં ગરમી હજુ વધુ પડશે, ગુજરાતમાં માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના

Newsgujarati