ગુજરાત

વડોદરા જળબંબાકાર: 15 કલાકમાં 18 ઈંચ વરસાદ,મુખ્યમંત્રી બે IS અધિકારીઓ પહોંચી જવા આદેશ આપ્યો

વડોદરા શહેરમાં બુધવારે દિવસ દરમિયાન બારેમેઘ ખાંગા થતાં જનજીવન સંપૂર્ણપણે ઠપ થઈ ગયું હતું. વિજળીના કડાકા – ભડાકા સાથે ૧૫ કલાકમાં જ ૧૮ ઈંચ જેટલો અતિ ભારે વરસાદ ખાબકતાં વડોદરાની પરિસ્થિતિ ગંભીર બની હતી. વિવિધ સ્થળે ૪૨થી વધુ વૃક્ષો ધરાશાયી સર્જાયા હતાં. જેમાં ઝાડ નીચે દબાઈ જવાથી ચાર જણા દબાઈ ગયા હતા. પિૃમ વિસ્તારને જોડતા ચારેય ગરનાળામાં પાણી ભરાઈ ગયા હતાં. ઠેરઠેર પાણી ભરાતા બબ્બે કલાક સુધી ટ્રાફિકજામ સર્જાયો હતો. લોકો ઘરે અથવા નોકરી- ધંધાના સ્થળે જ રોકાઈ રહ્યાં હતાં. એટલુ જ નહીં, સાંજ પછી પણ ધોધમાર વરસાદ ચાલુ જ રહ્યો હતો. જેથી હાલની પરિસ્થિતિ જોેતા વડોદરામાં પરિસ્થિતિ ગંભીર બની છે.

મંગળવારે દિવસ દરમિયાન અમી છાંટણા વરસ્યા પછી રાતથી જ ઝરમરીયો વરસાદ શરૂ થઈ ગયો હતો. જે બુધવારના બપોર સુધી ચાલુ રહ્યો હતો અને એ પછી બપોેરે ૨ કલાકથી તો વીજળીના કડાકા- ભડાકા સાથે અતિ ભારે વરસાદ ખાબક્યો હતો. જે એક જ ધારે મોડી સાંજ સુધી વરસતો રહ્યો હતો. વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ ખાબકતાં વડોદરામાં ગંભીર પરિસ્થિતિનુ સર્જન થયું હતું. અતિ ભારે વરસાદને કારણે શહેરમાં ૪૨ સ્થળો પર વૃક્ષો ધરાશાયી થયા હતાં. તેમજ અનેક હોર્ડિગ્સ- બેનર્સ પડયાં હતાં. જ્યારે રેસકોેર્ષ ચકલી સર્કલ પાસે ઝાડ પડતાં બે જણા દબાઈ ગયા હોવાનો કોલ ફાયર બ્રિગેડને મળ્યોે હતો.

બારેમેઘ ખાંગા થતાં શહેરમાં જ્યાં નજર પડે ત્યાં પાણી જ પાણી ભરાઈ ગયા હતાં.જેમાં પશ્ચિમ વિસ્તારને જોડતા ચારેય રેલવે ગરનાળામાં કમર સુધીના પાણી ભરાઈ ગયા હતાં. જેના કારણે વાહન વ્યવહાર ખોરવાયો હતો. તેમજ શહેરના મુખ્યમાર્ગો પર આવેલા વિવિઝ વિસ્તારોના બ્રીજ નીચે પણ ત્રણથી ચાર ફૂટ સુધીના પાણી ભરાઈ ગયા હતાં. જેના કારણે ટ્રાફિકજામ સર્જાયો હતોે અને બ્રીજ પર વાહનોની લાઈનો પડી હતી. બબ્બે કલાક સુધી બ્રીજ પર ટ્રાફિકજામ થયો હતા અને અસંખ્ય લોકો અટવાઈ ગયા હતાં.

અતિ ભારે વરસાદને કારણે જ્યાં સ્થળ ત્યાં જળ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. રસ્તાઓે ગાયબ થઈ ગયા હતાં. જેના કારણે દુકાનો અને ઓફિસોના શટરો ટપોટપ પડવા લાગ્યા હતાં. એટલુ જ નહીં, લારી-ગલ્લાઓ પણ બંધ કરી દેવાની નોબત આવી હતી. એટલુ નહીં, મંગળબજાર, રાવપુરા રોડ, રાજીવ ટાવર રોડ, સયાજીગંજ, એમ.જી.રોડ સહિતના કેટલાક વિસ્તારોમાં દુકાનોમાં પાણી ઘૂસી ગયા હતાં. તેમજ કેટલાક વિસ્તારોમાં તો લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા હતાં. સવારના ૬ કલાકથી રાતના ૯ કલાક સુધીમાં શહેરમાં ૧૮ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો અને એ પછી પણ ધોધમાર વરસાદ ચાલુ જ રહેતા વડોદરા શહેરમાં પરિસ્થિતિ ગંભીર બની હતી અને લોકોની હાલત કફોડી બની હતી.

વડોદરા માટે આર્મી સ્ટેન્ડબાય

શહેરમાં છેલ્લા ૧૫ કલાક દરમિયાન ૧૮ ઇંચ વરસાદ નોંધાતા નીચાણવાળા વિસ્તારોમાં પૂરની પરિસ્થિતી સર્જાવાની દહેશત છે. જેને પગલે જિલ્લા કલેક્ટરે આર્મી બોલાવી છે. હાલમાં અમદાવાદ ખાતે આર્મીની બે કોલમના ૧૬૦ જવાનો સ્ટેન્ડબાય રખાયા છે.

જિલ્લા કલેક્ટર કચેરીના ધારાસભા હોલમાં શાલિની અગ્રવાલના અધ્યક્ષસ્થાને મોડીરાત સુધી જારી રહેલી ઇમર્જન્સી મિટીંગમાં વહીવટીતંત્રના અધિકારીઓને ડિઝાસ્ટરને લગતી તાકીદની ફરજ સોંપાઇ હતી. આર.એ.સી. ડી.આર.પટેલે જણાવ્યું હતું કે જરોદ ખાતેની એન.ડી.આર.એફ.ની ૩ ટીમ હાલની પાણી રે-પાણીની પરિસ્થિતીમાં આવી શકે એમ નથી. જેથી, એન.ડી.આર.એફ.ની ટીમ માટે મોટા વાહનની ખાસ વ્યવસ્થા કરાઇ છે. જેની અવેજીમાં સ્ટેટ ડિઝાસ્ટર રેસ્ક્યુ ફોર્સ(એસ.આર.પી-મકરપુરા)તૈનાત કરાઇ છે. તદુપરાંત આર્મીની બે કોલમ ૧૬૦ જવાનોને બચાવ કામગીરીની સાધન સામગ્રી સાથે અમદાવાદ ખાતે સ્ટેન્ડબાય રખાયા છે.

સીએમએ વિનોદ રાવ, લોચન શેહરાને વડોદરા મોકલ્યા

વડોદરામાં આજે ૧૮ ઇંચ વરસાદ પડતાં સંભવિત પૂરની પરિસ્થિતિ સર્જાઇ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગર ખાતે આજે વડોદરાની સ્થિતિની ઉચ્ચસ્તરિય સમીક્ષા કરી હતી. તેમણે બે આઇએએસ અધિકારીઓ કે જે ભૂતકાળમાં વડોદરાના કલેકટર તરીકે રહી ચૂક્યા છે તેવા વિનોદ રાવ અને લોચન શેહરાને તાત્કાલિક વડોદરા પહોંચી જવા આદેશ આપ્યો છે. વિનોદરાવ અને લોચન શેહરા સ્થાનિક તંત્રનું માર્ગદર્શન કરશે.

બીજી તરફ વડોદરા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા નાગરિકોને સલામત સ્થળે સ્થળાંતર કરવા માટે તંત્રને સહયોગ આપવા માટે પણ મુખ્યમંત્રીએ અનુરોધ કર્યો છે. મુખ્યમંત્રીએ આજે સ્વયં વડોદરાની ભારે વરસાદની સ્થિતિ ઉપર ચાંપતી નજર રાખી હતી.

Related posts

ભાજપ દ્વારા અઢીલાખ ફુડ પેકેટ તૈયાર રાખવામાં આવ્યા છે, લશ્કર એનડીઆરએફની ટુકડીઓ તૈયાર: પ્રભારી મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાં

Newsgujarati

ઉ.ગુજરાતના રાજકારણમાં નવો વળાંક, પાલનપુરના 57 સરપંચ કોંગ્રેસમાં જોડાયા

Newsgujarati

કચ્છની દરિયાઇ સીમામાંથી ડ્રગ્સના ચાર પેકેટ બિનવાસી મળ્યા

Newsgujarati