રાજનીતિ

‘મોદી સરકારે પારદર્શક વહીવટ માટેનાં RTI કાયદાને બુઠ્ઠો કરી દીધો!’

માહિતી અધિકાર કાયદો તંત્રને પારદર્શી અને જવાબદાર બનાવવા નાગરિકના હાથમાં એક અસરકારક ઓજાર સાબિત થયું છે. છેલ્લા 14 વર્ષોમાં દેશભરમાં નાગરિકોએ તેનો ભરપૂર ઉપયોગ કરીએ ભ્રષ્ટાચારને ખુલ્લો પાડયો છે, ગેરરીતિઓને ઉજાગર કરી છે, અને સરકારના અનેક નિર્ણયો, નીતિઓ વિશે મહત્વના તથ્યો, હકીકતો લોકો સમક્ષ મૂકી છે.

એટ્લે સ્વાભાવિક છે, કે આ કાયદો તંત્ર અને રાજકીય નેતાઓ બંનેને ખૂંચે. આ કાયદો પસાર થયાના 6 મહિનાની અંદરજ ફાઇલ ઉપરની નોંધ ન આપવાની જોગવાઈ કરવામાટે સુધારા બીલ મૂકવાની કોશિષ થઈ હતી. ત્યારથી અત્યારસુધી અનેક વખત આ કાયદામાં સુધારો કરવાના નામે તેને નબળો પાડવાના પ્રયાસો થયા છે.

દરેક વખતે સુધારા બીલની સામે દેશભરમાંથી નાગરિક જૂથો, કર્મશીલો અને પ્રસાર માધ્યમોએ અસરકારક આંદોલન કરી સરકારના પ્રયાસોને સફળ થવા દીધા ન હતા. સંસદના ચાલુ ચોમાસા સત્ર દરમ્યાન 22 જુલાઇના રોજ લોકસભામાં માહિતી અધિકાર સુધારા બીલ 218 વિરુદ્ધ 79 મતોથી પસાર થયું.

આ બીલ ગત વર્ષે સાંસદમાં ટેબલ થયું હતું, પણ તે પસાર થઈ શક્યું ન હતું. આ વખતે આ બીલ એકદમ રહસ્યમય અને નાટ્યમય રીતે એજન્ડામાં મુક્યા વગર ખાસ પરવાનગીની વિનંતી કરી મંત્રીએ રજૂ કર્યું. સામાન્ય રીતે ખરડાને વેબસાઇટ પર મૂકવા, મંતવ્યો મંગાવવા, અથવા ચર્ચાસત્રો ગોઠવવા જેવી ચાલતી આવેલી પદ્ધતિને બિલકુલ અવગણના કરીને આ ખરડો લોકસભામાં રજૂ થયો.
માહિતી અધિકાર બીલ રજૂ કરતી વખતે મંત્રી જીતેન્દ્ર પ્રસાદે તેને ‘માહિતી અધિકારને મજબૂત કરવામાં માટેનો પ્રયાસ તરીકે ગણાવી રજૂ કર્યું, જે તદ્દન ખોટું છે.
આ સુધારા બીલનો દેશભરમાંથી કર્મશીલો, માહિતી અધિકારના કાર્યકર્તાઓ, નાગરિક જૂથો, તેમજ નિવૃત્ત માહિતી પંચોએ ખૂબ વિરોધ કર્યો છે અને તેને ઈરાદાપૂર્વક કાયદાને નબળો પાડવાની પગલું તરીકે ગણાવ્યું છે.

આ સુધારા બીલનો વિરોધ પક્ષ તેમજ અન્ય પક્ષોએ ખૂબ વિરોધ કર્યો. “આજના કાયદામાં જ્યારે આયોગના કાર્યકાળની વાત સ્પષ્ટ છે, ત્યારે કેન્દ્રિય સ્તરેથી સરકારે તે માટે નિયમો ઘડવાની શું જરૂર? માહિતી પંચ સ્વતંત્ર અને સ્વાયત્ત હોવું તે તેમની અસરકારકતાનું મુખ્ય આધાર છે. એવા સંજોગોમાં કેન્દ્ર સરકાર તેમના પર અંકુશ લાવીને તેમને તાબે કરવા જઈ રહી છે, જે બિનલોકશાહી વલણ છે”, તેવી આકરી ટીકા સાંસદો દ્વારા થઈ. પણ મંત્રી જીતેન્દ્ર પ્રસાદે “માહિતી અધિકાર કાયદાઓ રાજ્ય અને કેન્દ્ર એમ બંને યાદીમાં નથી, પણ માત્ર કેન્દ્રિય યાદીમાં છે, તેથી અહીંથી જ આ બધું નક્કી કરવું પડે તેમ છે”, તેવી ગેરમાર્ગે દોરતી માહિતી સાંસદમાં આપી બિલ રજૂ કર્યું.

હકીકતમાં માહિતી અધિકારનો ઉદ્ભવ બંધારણની કલમ 19 ના રૂએ આવેલો છે. કેન્દ્રનો કાયદો આવ્યો તેના પહેલા અનેક રાજ્યોએ (ગોવા, રાજસ્થાન, મહારાષ્ટ્ર, તામિલનાડુએ કાયદો પસાર કર્યો હતો. માનવ અધિકાર આયોગ, બાલ અધિકાર આયોગ, મહિલા આયોગ જેવા આયોગો પાસે માત્ર ભલામણ કરવાની સત્તા છે.

માહિતી આયોગ પાસે 25 હજાર સુધી દંડ કરવાની અને ખાતાકીય તપાસ કરવામાટે કહેવાની, તેમજ સુનાવણી વખતે સોગંદપર જુબાની લેવાની, સાક્ષીઓને બોલાવવાની, સરકારે નિર્દેશ કરવાની સત્તા છે. આયોગોએ તેના આધારે રાષ્ટ્રપતિ ભવનને પણ જવાબદેહી બનાવ્યું છે.

વડાપ્રધાનની શૈક્ષણિક ડિગ્રીની વાત હોય કે, RBI માંથી મોટા ડિફોલ્ટરોની યાદીની વાત હોય, કે ડી-મોનીટાઈજેશન પછી કેટલા બેંકોમાં જમા થયા? કે મુદ્રા લોન કોને કોને મળી? કે કેટલા જન ધન ખાતા એક્ટિવ છે? વગેરે સરકારને માફક ન આવે તેવી માહિતી નાગરિકોને આયોગ થકી જ મળી છે. તેનો બદલો લેવા સરકારે આ કાયદો બદલ્યો છે. છેલ્લા બે વર્ષથી કેન્દ્ર સરકાર દિલ્હીમાં વખતો વખત રાજ્યના આયોગો માટે કાર્યશાળાઓનું આયોજન કરે છે. જેનો હેતુ અનુભવોની આપ- લે કરવાનો છે, તેવું કેન્દ્ર સરકાર કહે છે.

ત્યાર બાદ તમામ આયોગોનું એક સંગઠન બન્યું તેમણે કેન્દ્ર સરકારે ફંડ પણ આપ્યું. ધીરે ધીરે તમામ આયોગોમાં તેઓ કેન્દ્ર સરકારની તાબામાં છે, તેવી લાગણી અને વાતાવરણ બનાવવામાં સરકાર સફળ રહી. એટ્લે જ્યારે આ બિલ રજૂ થયું ત્યારે આખા દેશભારમાંથી કોઈ આયોગે તેની સામે સવાલ કર્યો નથી. આ એક ચોંકાવનારી અને ચિંતાજનક બાબત છે.

આ ખરડા પર કોઈ ચર્ચા થઈ જ નથી, તેમ છતાં, સિલેક્ટ કમિટી અથવા સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ આ ખરડાને મુકવાની માંગણીને ગણકાર્યા વગર, તેમજ સાંસદ બહાર આક્રોશ, લાગણી અને સામાન્ય નાગરિકોની અપીલને બિલકુલ સાંભળ્યા વગર બહુમતીના જોરે આ સુધારો સરકાર લાવી છે અને તેનાથી માહિતીના અધિકારને સીમિત કર્યો છે. લોકશાહીમાટે આ દુખદ અને ન સ્વીકારી શકાય તેવી ઘટના છે.

Related posts

રાજકોટમાં બક્ષીપંચ મોરચાનું મહાસંમેલન યોજાયું ગુજરાતની ૨૬ બેઠક ઉપર વિજય વિશ્વાસ સાથે કમળ ખીલશે નરેન્દ્રભાઈ સોલંકી

Newsgujarati

ઉ.ગુજરાતના રાજકારણમાં નવો વળાંક, પાલનપુરના 57 સરપંચ કોંગ્રેસમાં જોડાયા

Newsgujarati

મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભાની ચૂંટણી : 21 ઑક્ટોબરે મતદાન, 24મીએ મતગણતરી

Newsgujarati

ટિપ્પણી મૂકો